આજે ભૌમીન નો જન્મદિવસ છે!

September 7, 2024 by
Riken

આજે ભૌમીન નો જન્મદિવસ છે! 🎉 અમે 2016 માં અમારો પહેલો બિઝનેસ શરૂ કર્યો હતો. અમારી પાસે બિઝનેસ પરિવારનું પીઠબળ કે અનુભવ નહોતો કે નહોતી MBA ડીગ્રી, છતાં પણ અમે ઉંડાઈ માપ્યા વિના અજાણ્યા પાણીમાં કૂદવા માંગતા હતા. તે સમયે, entrepreneur તરીકે ઓળખાવવું એટલું આકર્ષક નહોતું, એટલે અમે આ સાહસ વિશે બહુ લોકો સાથે વાત કરી નહોતી. સાચું કહું તો, અમને પોતાને જ ખબર નહોતી કે આ રસ્તો અમને કેટલે દૂર લઈ જશે.


તે સમયે અમને હકીકતમાં ખબર ન હતી કે અમે કયા પ્રકારની રોલર કોસ્ટર સફર શરૂ કરી છે. એવા ઘણા દિવસો હતા જ્યારે આગળ વધવું ઘણું જ મુશ્કેલ લાગતું હતું, પરંતુ અમે વિચાર્યું કે આ છોડીને બીજો રસ્તો કદાચ વધુ મુશ્કેલ હશે, તેથી અમે અમારા ઉદ્યોગસાહસિક પ્રવાસ સાથે અડગ રહેવાની સંપૂર્ણ કોશિશ કરતા રહ્યા. એ સમયમાં અમારા પરિવારના મજબૂત સમર્થનથી જ ટકી શક્યા એવું મને લાગે છે.


અમે અમારી ફુલ ટાઈમ જોબ છોડીને એ દિવસો માં અમે ઘરે થી કામ શરૂ કર્યું અને પછી પહેલું વર્ષ અમારી ઘર પાસેના એક નાનકડી 100 સ્ક્વેર ફુટની ભાડાની ઓફિસમાં કામ કરતા રહ્યા. અમે ઘણી બાબતોને સમજવા માટે પ્રયત્ન કરતા હતા, જોતા હતા કે જે અમે કરી રહ્યા હતા તે વાસ્તવમાં અન્ય કોઈને મદદ કરે છે કે નહીં. અમારી ઉત્સુકતા આકાશને અડી રહી હતી. અમે જાણીજોઈને બહેરા બનીને રહ્યા જેથી કોઈ વસ્તુ (અમારા પોતાના નકારાત્મક વિચારો સહિત) અમને અમારા કામમાંથી વિમુખ ન કરે.


મને તે દિવસો યાદ છે જ્યારે હું સવાર માં છ વાગ્યામાં ઉભા ઉભા કોડિંગ કરતો કરતો હતો કે જેથી કરીને મારુ મગજ વધુ સતેજ રીતે કામ કરે અને પ્રોબ્લેમ જલ્દીથી સોલ્વ થાય. સમય, પૈસા, ખર્ચ, આવક, તબીયત અને સબંધો ના તાંતણા ની સાથે દરેક દિવસ જિજ્ઞાષા, આશ્ચર્ય, આનંદ, ભૂલો, શીખો, અને ક્યારેક નિરાશા, હતાશા અને ચિંતાથી ભરેલા હતા. અમે અઠવાડિયા ના છ દિવસ કામ કરતા, દરરોજ લગભગ 16 કલાક. ભૌમીન ની સમજ અને આવડત પરિસ્થિતિ ને સાંભળવા માં ઘણી મદદરૂપ થતી હતી.


સમય પસાર થતો ગયો. ઘણું શીખવતો ગયો.


ધીમે ધીમે, દુનિયાભરના લોકો અમારા કામને પસંદ કરવા લાગ્યા. અમે સતત અમારી ટીમને વધારતા ગયા અને એક પછી એક મોટી અને સારી જગ્યાઓમાં કામ કરતા થયા. અમે એક એવું વાતાવરણ બનાવવા માંગતા હતા જ્યાં અમારા લોકો સફળ થાય અને જ્યાં અમે અમારા ક્લાયન્ટ્સને શ્રેષ્ઠ સેવા આપી શકીએ.


આઠ વર્ષ પછી પણ, અમને ખબર છે કે અમે અમારા ક્લાયન્ટ્સ અને ટીમ માટે હજુ પણ ઘણું કરી શકીએ છીએ અને અમે એ દિશા માં સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. હું ખૂબ જ આભારી છું કે મારી સાથે Bhaumin Chorera જેવા સહસંસ્થાપક છે — એક એવા વ્યક્તિ કે જેની સાથે હું મોટા સપનાં જોઈ શકું, સખત મહેનત કરી શકું અને સાથે રહીને લોકોને ઉત્તમ સેવા આપી શકું. અમે આવનારા વર્ષોમાં અમારા સપનાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ!


આપ સૌનો ખુબ ખુબ આભાર!